દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના હિન્દોલીયા ગામે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના હિન્દોલીયા ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ૧૮ વર્ષના પ્રેમી પંખીડાએ પ્રેમ પ્રકરણ સંબંધી ગામમાં આવેલ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ બંન્નેએ જીવન ટુંકાવી લેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે બંન્ને પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો.
દેવગઢ બારીઆ હિન્દોલીયા ગામે રહેતાં ૧૮ વર્ષીય પીનલબેન અલીવનભાઈ હરીજન અને ૧૮ વર્ષીય ગણપતભાઈ પર્વતભાઈ પટેલ બંન્ને જણા એકબીજાના પ્રેમમાં હતાં. એકબીજાના પ્રેમમાં ગળાડુંબ આ પ્રેમી પંખીડાએ પ્રેમ પ્રકરણ સંબંધી પોતાનું જીવન ટુંકાવી લેવાનો નિર્ણય કરી લીધો હતો ત્યારે ગતરોજ રાત્રીના દશેક વાગ્યાના આસપાસ ઉપરોક્ત બંન્નેની લટકતી લાશ ગામમાં આવેલ મોટા ફળિયામાં ઝાડ સાથે પીનલબેને પોતાની ઓઢણી સાથે અને ગણપતભાઈએ પોતાના શર્ટ વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતાં ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ બંન્નેના પરિવારજનોને થતાં પરિવારજનોમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી. ઘટનાને પગલે સ્થાનીક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને બંન્નેના મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે મૃતક યુવતીના પિતા અલીવનભાઈ લક્ષ્મણભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.