દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંકાનેર ગામે બે મોટરસાઈકલો સામસામે અથડાતાં એકનું મોત નીપજ્યું : એકને ઈજા પહોંચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંકાનેર ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં એક મોટરસાઈકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૧૪મી એપ્રિલના રોજ ફતેપુરા તાલુકાના મારગાળા ગામે બારીયા ફળિયામાં રહેતાં ટીનાભાઈ બબલાભાઈ બારીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ સુખસર બજારમાં સામાન લેવા જતાં હતાં તે સમયે સામેથી અન્ય એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટીનાભાઈની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાવતાં ટીનાભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે તેઓને માથાના ભાગે, હાથે પગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન ટીનાભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને પણ શરીરે ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે મારગાળા ગામે બારીયા ફળિયામાં રહેતાં વિક્રમભાઈ હડીયાભાઈ બારીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.