નડિયાદના ૧૦૮ વર્ષની વયે પણ મતદાન કરી લોકશાહીનો પર્વ ઉત્સાહથી ઉજવે છે
નરેશ ગનવાણી નડિયાદ
લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના આ પર્વની ઉજવણીમાં નડિયાદના ૧૦૮ વર્ષના ‘બા’ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. નડિયાદના જેવરબેન રબારી ૧૦૮ વર્ષની ઉમરે પણ નિયમિત મતદાન કરી દેશના નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ૧૧૬-નડિયાદ વિધાનસભાના મતવિભાગના જેવરબેન મેલાભાઈ રબારી ૧૦૮ વર્ષની ઉંમરે પણ અચૂક મતદાન કરવાનો નિર્ધાર ધરાવે છે.
જેવરબેન રબારી જણાવે છે કે કોઈ પણ પ્રકારની ચૂંટણી કેમ ના હોય મે હમેશાં મતદાન કર્યું છે. અને આ ચૂંટણીમાં પણ હું અચૂક મતદાન કરીશ. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં જેવરબા જાતે મતદાન મથકે જઈ પોતાનો અમૂલ્ય મત નોંધાવશે.
નડિયાદ શહેરના મીલ રોડ, મજૂરગામમાં રહેતા ૧૦૮ વર્ષનાં શ્રી જેવરબેન મેલાભાઈ રબારીએ જિલ્લાવાસીઓને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં અવશ્ય મતદાન કરવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં અચૂક મતદાન કરી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આજે આખો દેશ કટિબદ્ધ છે. ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં ૭ મે ના રોજ મતદાન થકી ૨૬ સીટો પર જે તે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ગુજરાતમાં ઠેર ઠેર સ્વીપ એક્ટિવિટી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.