લીમખેડાના સરજુની ગામે ટ્રકની અડફેટે મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સરજુમી ગામે એક ટ્રકના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલરને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજતાં તહેવાર ટાણે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગત તા.૧૯મી ઓક્ટોમ્બરના રોજ લીમખેડાના શાષ્ટા ગામે સરજુમી ચોકડી નજીક રોડ પર એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ૩૯ વર્ષિય રમસુભાઈ ચતુરભાઈ આમલીયા (રહે. પાડળીયા, આમલીયાર ફળિયા, તા.લીમખેડા, જિ.દાહોદ) ની મોટરસાઈકલને ટ્રકના ચાલકે પાછળથી જાેશભેર ટક્કર મારતાં રમસુભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં અને જમીન પર પટકાતાની સાથે ટ્રકનું ટાયર રમસુભાઈના માથા પર ફરી વળતાં તેઓનું સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં મૃતક રમસુભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં તહેવાર ટાણે ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે કુસુમબેન રમસુભાઈ આમલીયાર દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.