દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં વધુ ચાર સરકારી બાબુઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
દાહોદ તા.૧૧
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં એકપછી એક આરોપીઓને પોલીસ દ્વારા જેલના સળીયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ વધુ ચાર સરકારી કર્મચારીઓ જેમાં બે નિવૃત ટીડીઓ, એક ટીડીઓના આસિસ્ટન્ટ અને એક રિટાયર્ડ સર્કલ ઓફિસર સહિત ચાર કર્મચારીઓની દાહોદ જિલ્લા ડિવાયએસપી તેમજ તેમની ટીમે તપાસમાં ધરપકડ કરવામાં આવતાં દાહોદના ભુમાફિયાઓમાં પુનઃ એકવાર ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાની એરણે ચઢેલ દાહોદના નકલી બિન ખેતી પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા એકપછી એક પોલીસ ફરિયાદોનો દૌર આરંભ કરીને આ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ સહિત અનેક આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યાં છે. ત્યારે આજરોજ દાહોદ જિલ્લા ડિવાયએસપી દ્વારા આ નકલી બિન ખેતી પ્રકરણમાં ટીડીઓ કચેરી ખાતે ૧૧૨ સર્વે નંબર સંબંધિ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં વિશેષ પુરાવાઓ પણ મળી આવ્યાં હતાં. નકલી એનએ પ્રકરણની તમામ ફરિયાદોમાં જે સર્વે નંબરોવાળી જમીનોમાં સત્તા બહારના હુકમો સમય મર્યાદામાં જે સત્તા છે, એક વર્ષમાં જેટલી સત્તા છે તેના કરતાં વધારે હુકમો જુની તારીખોમાં હુકમો થતાં, આ તમામ મુદ્દાઓ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલતી હતી. આ દરમ્યાન જે જમીનના માલિકો છે જે પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે છે તેઓની અટક દરમ્યાન અને અન્ય સોર્સ માધ્યમથી મળેલ માહિતી પ્રમાણે જેમાં અમુક અધિકારીઓ દ્વારા સોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવું, ખોટી રીતે કામ કરવવા માટે માટે કામગીરી કરવામાં આવી હતી જે તમામ મુદ્દાઓમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો જેમાં જેતે વખત છત્રસિંહ બારીયા રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, દેવાભાઈ સંગાડા રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, પર્વતસિંહ અમલીયાર આસિસ્ટન્ટ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ અને મેગજીભાઈ તાવીયાડ રિટાયર્ડ સર્કલ ઓફિસર તાલુકા પંચાયત દાહોદની પોલીસે આ નકલી બિન ખેતી પ્રકરણમાં આજરોજ અટકાયત કરી પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.