દાહોદ શહેરમાં મતગણતરી દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ ડાયવર્ઝન જાહેર

રિપોર્ટર – નીલુ ડોડીયાર

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી-2026 અંતર્ગત દાહોદ જિલ્લામાં મતદાન પૂર્ણ થયા બાદ તા. 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી યોજાનાર છે. મતગણતરી દરમ્યાન દાહોદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની સંભાવના હોવાથી ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ન સર્જાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.એમ. રાવલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 33(1)(ખ) હેઠળ રૂટ ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા મુજબ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે નીચે મુજબની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે:• દાહોદ શહેરમાં આવતી-જતી એસ.ટી. બસો તથા ભારે વાહનોને ખરોડ બાયપાસ પરથી સીધા બસ સ્ટેશન તરફ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વાહનોને ઝાલોદ રોડ ખરોડ બાયપાસ ચોકડી, સતી તોરલ-રબડાલ, સિવિલ હોસ્પિટલ અને ડૉ. ભરપોડાના દવાખાના થઈ બસ સ્ટેશન તરફ ડાયવર્ટ કરવા ફરમાવવામાં આવ્યું છે.• ઝાલોદ રોડ બાયપાસ ખરોડ ચોકડીથી વન ચેતના ચોકડી સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.• દાહોદ શહેરથી ઝાલોદ-લીમડી તરફ જતાં તમામ વાહનોને ગોધરા જકાત નાકા, સતી તોરલ માર્ગે થઈ ઝાલોદ તરફ જવાનું રહેશે.• લીમડી અને ઝાલોદ તરફથી આવતા વાહનો ખરોડ બાયપાસ હાઈવે રોડ થઈ સતી તોરલ થઈ ગોધરા જકાત નાકાથી દાહોદ બજારમાં જવાનું રહેશે.આ પ્રતિબંધ પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની આપાતકાલીન સેવાઓ તથા સરકારી ફરજ બજાવતા અધિકારીઓના વાહનો માટે લાગુ પડશે નહીં. ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને લઈ જતાં વાહનોને પણ રાહત આપવામાં આવશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ગુજરાત પોલીસ અધિનિયમની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જાહેરનામું તા. 30 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે. જિલ્લા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!